મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સૌરાષ્ટ્ર-કચ્છનું સૌથી મોટુ સર્જીકલ યુનિટ જામનગરની સરકારી હોસ્પિટલમાં
News Jamnagar January 09, 2021
જામનગર
૨૦ કોરોનાગ્રસ્ત દર્દીઓની સર્જરી વિભાગ દ્વારા થઇ શસ્ત્રક્રીયા-
સર્જરીના ૧૮ ડોકટર્સ-રેસિડન્ટ ડોકટર્સએ આપી હતી કોરોનાને મ્હાત.
“ઓપરેશનમાં શરીરનાં વિવિધ અંગોનું પ્રવાહી ખુલ્લુ પડતાં ઓપરેશન કરનાર સર્જનને કોરોનાનુ સંક્રમણ થવાની સંભાવના વધુ રહે છે.
-જામનગર જી.જી. હોસ્પિટલના સર્જરી વિભાગના વડા પ્રો. ડો.સુધીર મહેતા
જી.જી.હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં બે વર્ષમાં ૪૬૮૭ ઓપરેશનો થયા
જીલ્લા કોવિડ હોસ્પિટલનાં કંટ્રોલ રૂમમાં તથા વિવિધ માળ પર ફ્લોર મેનેજર તરીકે સર્જરી વિભાગના તબીબોએ બજાવી છે ઉમદા ફરજ -કોવિડ હોસ્પિટલ બિલ્ડીંગના વહિવટી વડા તરીકે પણ સર્જનોની મહત્વની ભૂમિકા
સૌરાષ્ટ્ર-કચ્છનું સૌથી મોટુ સર્જીકલ યુનિટ જામનગરની સરકારી હોસ્પિટલમાં
એક જ ઓપરેશનમાં દર્દીના ઓપરેશન માટે એકથી દોઢ લાખની સાધન સામગ્રીનો ઉપયોગ રાજય સરકારની સહાયથી વિનામૂલ્યે કરવામાં આવે છે.
જામનગર તા.9 જાન્યુઆરી, ‘‘કોરોના ગ્રસ્તદર્દીઓની સારવાર તબીબો – પેરા મેડિકલ સ્ટાફ દ્વારા પીપીઇ કીટ પહેરીની કરવામાં આવતી હોય છે. પરંતુ કેટલાક કોરોનાગ્રસ્તદર્દીઓ એવા છે કે જેમના ઉપર કેટલાક ઓપરેશનો કરવાની પણ જરૂર પડે છે. સામાન્ય સારવારમા કે આઈ.સી.યુ.માં દર્દીની સાવ બાજુમાં વધુ સમય રહેવાનુ હોતું નથી. જ્યારે ઓપરેશનોમાં કોરોનાગ્રસ્ત દર્દીની અત્યંત નજીક રહી તેનાં ખુલ્લા પડેલા અવયવો પર તબીબો અને નર્સોએ કામ કરવાનુ હોય છે. દર્દીના શરીરના અંગો ખોલીને સર્જરી થતી હોય છે. આંતરડા-પેટ સહિતના અંગોમાં કોરોના વાયરસનો કાફલો હોય છે. જેથી સર્જન-નર્સોને ચેપ લાગવાની સંભાવના મહતમ રહે છે.’’ આ વાત કરે છે જામનગર જી.જી. હોસ્પિટલના સર્જરી વિભાગના સિનિયર મોસ્ટ પ્રોફેસર અને વિભાગના વડા ડો.સુધીર મહેતા.
ડો. સુધીર મહેતા વધુમાં જણાવે છે કે, કોરોનાના સમયગાળામાં કુલ ૩૫ કોરોનાના દર્દીઓની સર્જરી કોવિડ હોસ્પિટલમાં કરાઇ છે. જેમાં ૨૦ જેટલી સર્જરી સર્જરી વિભાગ દ્વારા કરવામાં આવી છે. સર્જરી વિભાગના ૧૮ જેટલા ડોકટર્સ-રેસીડન્ટ ડોકટર્સ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. જોકે કોરોનાને હરાવી આ તમામ કોરોના વોરિયર્સ ફરી દર્દીનારાયણોની સેવામાં લાગી ગયા હતા.
કોરોનાગ્રસ્ત દર્દીઓમાં થયેલા ઓપરેશનોમાં હોજરીમાં કાણુ, આંતરડામાં કાણુ, આંતરડામાં સડો, આંતરડામાં અટકાવ, એપેન્ડિક્સમાં ચેપ કે તેનુ ફાટી જવુ, પ્રસુતિ બાદ પેટમાં રસીનો ભરાવો, પગમાં સડો કે ગેંગરીન વિગેરેના ઓપરેશનો મુખ્ય છે. કોરોનાગ્રસ્ત થવાના જોખમ વચ્ચે પણ આવા જટીલ ઓપરેશનો સર્જરીના સર્જનો સાવચેતીપૂર્વક તથા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હતા. તેમ પ્રોફેસર- સર્જન ડો. ધર્મેશ વસાવડા જણાવે છે.
આ ઉપરાંત જિલ્લાકક્ષાની ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલના પ્રારંભથી જ વહિવટી વડા (કોવિડના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ) તરીકે સર્જરી વિભાગના જ પ્રોફેસર- સર્જન ડો. ધર્મેશ વસાવડા અને એસોસિયેટ પ્રોફેસર ડો.અમરીશ મહેતા ફરજ બજાવી રહયા છે. આ સર્જનોની સેવાને બિરદાવતાં મેડિસીન વિભાગના વડા ડો.મનિષ મહેતા કહે છે કે જિલ્લાકક્ષાની કોવિડ હોસ્પિટલમાં અમે દર્દીઓની સારવાર સુંદર રીતે કરી શકીઆ છીએ તેનો યશ સર્જરી વિભાગના ડો.ધર્મેશ વસાવડા અને ડો.અમરીશ મહેતાને ફાળે જાય છે. તેમજ કોવિડ-સી બિલ્ડીંગની વહિવટી જવાબદારી ડો.કેતન મહેતા અને ડો.વિરલ સાંગાણીને જાય છે. આ સર્જનોએ વહિવટી જવાબદારીઓ લીધી માટે અમે કોવિડના દર્દીઓને મોકળાશથી સારવાર કરી શકીઆ છીએ.
ગુજરાત રાજ્ય સરકારના કોવિડ મહામારી માટેના સમગ્ર રાજ્યના અગ્ર સચિવશ્રી પંકજકુમારની સુચનાથી સર્જરી વિભાગનું જૂનું બિલ્ડીંગ કોરોનાના દર્દીઓના લાભાર્થે તાત્કાલીક ખાલી કરી ત્રણ અઠવાડિયામાં આ બિલ્ડીંગનો યુધ્ધના ધોરણે જીર્ણોધ્ધાર- રિનોવેશન કરી ત્યાં ૨૩૨ બેડની આઇ.સી.યુ સાથેની ડિસ્ટ્રિકટ કોવિડ હોસ્પિટલ-સી બનાવી હતી. જેનું ઉદઘાટન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલે કર્યુ હતું. જેના વહિવટી વડા તરીકે ડો.કેતન મહેતા અને ડો.વિરલ સાંગાણી ફરજ બજાવે છે. આમ સર્જરી વિભાગના ચાર તબીબો વહિવટી કામગીરીમાં ફરજબધ્ધ છે. આ ઉપરાંત રાજકોટ -અમદાવાદની સરકારી હોસ્પિટલમાં પણ અનેક સર્જનો કોવિડની ફરજમાં ડેપ્યુટેશન ઉપર ગયા હતા. આમ અમારા સર્જરીના સર્જનો કોવિડની મહામારીને નાથવામાં મહત્વનું યોગદાન આપ્યુ છે તેમ ડો. સુધીર મહેતાએ વધુમાં ઉમેર્યુ હતું.
સર્જરી વિભાગના ડો. સુધીર મહેતા, ડો. ધર્મેશ વસાવડા, ડો.અમરીશ મહેતા કોવિડની ડયુટીમાં શરૂઆતથી જ જોડાયેલા છે જ. આ ઉપરાંત બીજા સર્જરીના તબીબોએ પણ ૪૦ દિવસથી લઇ ૧૧૫ દિવસ સુધી ફરજ બજાવી છે. કોવિડ હોસ્પિટલમાં અતિ મહત્વના કંટ્રોલ રૂમમાં તથા વિવિધ માળ ઉપર ફ્લોર મેનેજર તરીકે પણ સર્જરી વિભાગના તબીબો અને રેસિડન્ટ ડોકટર્સ ફરજ બજાવી રહયા છે. તેમ સર્જરી વિભાગના વડા ડો. સુધીર મહેતાએ જણાવ્યું હતું.
કોવિડ હોસ્પિટલમાં પાંચમા માળે ઓપરેશન થીયેટર ડો. સુધીર મહેતાની રાહબરી હેઠળ તૈયાર કરાયું હતું. આ થિયેટરમાં તમામ સર્જીકલ વિભાગના ઓપરેશનો એક જ છત નીચે થઈ શકે તેવી અત્યાધુનિક સાધનોથી સુસજ્જ વ્યવસ્થા રાતોરાત ઉભી કરાઈ હતી. આ સાધનો માટે રાજ્ય સરકાર તરફથી પૂરતી સહાય મળી હતી. ડો. સુધીર મહેતા કોવિડ ઓપરેશન કમિટીના ચેરમેન હતા. જયારે સર્જરી વિભાગના તબીબો કોવિડની કામગીરી સંભાળતા હતા ત્યારે સ્વાભાવિક રીતે જ વિભાગના પોતાના નોન કોવિડના કામો માટે બાકીના તબીબો પરનો કાર્યભાર વધી જતો. વિભાગના દર્દીઓની સાર-સંભાળ તથા શસ્ત્રક્રિયા જેવા કામ અન્ય તમામ તબીબોએ ઉપાડી લીધા. વળી તબીબી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યો જેવા કે એમ.બી.બી.એસ., બી.ડી.એસ. અને ફિઝિયોથેરાપી માટેનાં ઓન લાઈન લેક્ચર્સ, ઓનલાઇન પરીક્ષાઓ વિગેરેની કામગીરી પણ સર્જરીના તબીબો નિષ્ઠાપૂર્વક કરે છે. જામનગરના સર્જરી વિભાગના ઘણા વિદ્યાર્થીઓ એમ.એસ. ઉતિર્ણ થયા બાદ સુપર સ્પેશ્યાલિસ્ટના અભ્યાસ પણ કરી રહયા છે. આ ઉપરાંત સુપર સ્પેશ્યાલિસ્ટ બની મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, પુના, હૈદ્રાબાદ સહિતના શહેરોની પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં સેવારત પણ છે. આ વિદ્યાર્થીઓ અત્રેની મેડિકલ કોલેજ તથા સમગ્ર જામનગર જિલ્લાનુ ગૌરવ છે. વળી તેઓ પોતપોતાના પંથકમા જઈને પણ ત્યાંની સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરવા સક્ષમ બન્યા છે.
સર્જરી વિભાગ દ્વારા સુપર સ્પેશ્યાલિટી શાખાના પણ ઘણા ઓપરેશનો કરવામા આવે છે. જેમા નવજાત શિશુના, કિડનીના, પેટના તથા કેન્સરના ઓપરેશનો મુખ્ય છે. દરેક યુનિટમાં આધુનિક લેપરોસ્કોપીક ઓપરેશનો તો થાય જ છે પરંતુ એ સિવાય ડો. સુધીર મહેતા અને ડો.ધર્મેશ વસાવડા પેટના તમામ તથા લીવરના દર્દો માટે, ડો.કેતન મહેતા ફેફસાના ઓપરેશન અને લોહીની નળીની ફિસ્ચ્યુલા માટે, ડો.હર્ષ ત્રિવેદી નવજાત શિશુના ઓપરેશન માટે, ડો.આસિત પાઠક – ડો.કિશન શાહ – ડો.એ.ઓ.નોયડા – ડો.ફ્રેનલ શાહ વિગેરે તમામ પ્રકારની ઈલેક્ટીવ અને ઈમરજન્સી સર્જરી માટે તથા ડો.નિલેશ ગોસ્વામી – ડો.અમરીશ મહેતા – ડો.વિરલ સાંગાણી – ડો.વિક્રાંત પટેલ વિગેરે અન્નનળી, સ્વાદુપિંડ, બરોળ, લોહીની નળીની ફિસ્ચ્યુલા વિગેરે માટે કુશળતા ધરાવે છે. આથી દર્દીઓને તે શ્રેષ્ઠ સેવા મળે જ છે પરંતુ સર્જરી વિભાગમા નવા જોડાયેલા તબીબો અને રેસિડેન્ટ ડોક્ટર્સને આ અનુભવી સર્જનોની કૌશલ્યનો લાભ મળે છે. વળી એમ.સી.આઈ/એન.એમ.સી જેવી સંસ્થાઓના ઈન્સ્પેક્શનોમા વિભાગના વડા સાથે ડો.ફ્રેનલ શાહ અને અન્ય તબીબો ઉત્તમ કામગીરી કરે છે. આવા તમામ ઓપરેશનો દરમિયાન સર્જરી વિભાગને એનેસ્થેશિયા વિભાગના વડા ડો.વંદના ત્રિવેદી, ડો.પૂર્વી પોરેચા, ડો.મીતા પટેલ અને અન્ય તબીબોનો સતત સહકાર મળતો રહે છે એમ ડો.સુધીર મહેતાએ જણાવ્યુ હતું.
સર્જરી વિભાગમા પાચનતંત્રના ઉપરના અને નીચેના માર્ગની એટલે કે અન્નનળી, જઠર, પક્વાશય, મળમાર્ગ તથા મોટા આંતરડાની દૂરબીનથી તપાસ કરવામા આવે છે અને તેના માટેનુ અલાયદુ ઓપરેશન થિયેટર પણ છે. આ તપાસને અનુક્રમે ઈસોફેગો-ગેસ્ટ્રો-ડ્યુઓડેનોસ્કોપી તથ કોલનોસ્કોપી કહેવાય છે. અંદાજે ૫ હજારથી ૧0 હજાર જેવી કિંમત વસૂલી પ્રાઈવેટ હોસ્પિટલમા થતી આ તપાસ સરકારી હોસ્પિટલમાં તદન મફત થાય છે. ડો.સુધીર મહેતા તથા તેમની ટીમ ગેસ્ટ્રોસ્કોપી સંભાળે છે તો ડો.નિલેશ ગોસ્વામી તથા તેમની ટીમ કોલોનોસ્કોપી સંભાળે છે.
આ ઉપરાંત કેટલાંક તાજા જન્મેલા નવજાત શિશુઓની અન્નનળી અને શ્વાસનળી જોડાયેલી હોય છે. જે છૂટી પાડવા માટે બાળકને ઓપરેશન માટે છેક અમદાવાદ લઇ જવા પડે. પણ આ દરમિયાન આ નવજાત બાળકનું મૃત્યુ થવાની પૂરતી સંભાવના રહે છે. તેથી જી.જી. હોસ્પિટલના જ સર્જનો દ્વારા જાત અનુભવે આ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવી રહયા છે. એક સફળ ઓપરેશન આ અઠવાડિયામાં જ કરવામાં આવ્યુ છે. જી.જી. હોસ્પિટલમાં આવા ઓપરેશનની શરૂઆત છેક અઢાર વર્ષ પહેલા કરાઇ હતી. એ નવજાત બાળક આજ અઢાર વર્ષનો થઇ ચૂકયો છે. આમ આ બાળકને સર્જનો દ્વારા જીવત દાન મળતા તમામ જન્મદિન સર્જરી વિભાગમાં જ બાળકના માતા-પિતા આવીને ઉજવે છે અને સર્જનોને આશીર્વાદ આપે છે.
વર્ષ ૨૦૧૯ માં કુલ ૩૧૩૬ અને વર્ષ ૨૦૨૦માં ૧૫૫૧ જેટલા નાના અને મોટા ઓપરેશનો સર્જરી વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. તેમ જણાવી ડો.સુધીર મહેતા વધુમાં કહે છે કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલના માર્ગદર્શન અને સહયોગથી રાજય સરકાર દ્વારા અમને શસ્ત્રક્રિયા માટે લાખોના સાધનો પ્રાપ્ત થાય છે. આ સાધનો વિદેશથી મંગાવવામાં આવે છે. ઓપરેશનમાં વપરાતી આ સાધન સામગ્રીઓ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે. દર્દીના આંતરડાના ઓપરેશન માટે વપરાતા સ્ટેપલરની કિંમત રૂ.૩૦ હજારથી લઇ ૫૫ હજાર સુધીની છે. જે દરરોજના અમારે ત્યાં ૨ થી ૩ વપરાય છે. જયારે સારણગાંઠ સહિતના ઓપરેશનમાં મેશનો ઉપયોગ થાય છે. આ મેશની કિંમત રૂ.૧૫ હજારથી લઇ રૂ.૫૦ હજાર છે. આ સાધનોથી ઓપરેશન કરવાની ખૂબ સરળતા રહે છે. આ સાધનનો ઉપયોગ એક દર્દી માટે માત્ર એક જ વાર કરવામાં આવે છે. આમ એક જ દર્દી માટે એકથી દોઢ લાખની સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.
સર્જરી વિભાગમાં ૮ યુનિટ, ૨૬૦ સર્જીકલ બેડ, એક સર્જીકલ આઇસીયુ આવેલા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી મોટુ સર્જીકલ યુનિટ જામનગરની સરકારી હોસ્પિટલ પાસે છે. ૧૬ બેડના ટ્રોમા સેન્ટરમાં એક અધતન ઓપરેશન થીએટર પણ આવેલુ છે. અકસ્માત થયેલા કે ઓપરેશનની જરૂર હોય તેવા દર્દીઓ ગમે તે સમયે સર્જરી વિભાગમાં આવતા હોય છે. જેમની ફરજ હોય તે તબીબો તો હોય જ. પણ જેમની ડયુટી પૂરી થઇ ગઇ હોય તેવા તબીબો પણ અડધી રાત્રે પણ ઓપરેશનમાં મદદ માટે હાજર થઇ જતાં હોય છે. આમ તમામ સર્જનો ભાતૃભાવથી કામ કરી રહયા છે.
જામનગરમા બ્રેઈન ડેડ જાહેર થઈ અંગદાન કરેલા ૪ વ્યક્તિઓમાંથી ત્રણના અંગદાન તો સર્જરી વિભાગમાં જ થયેલા. આ ત્રણે સેવાભાવી અને પુણ્યશાળી આત્માઓના શરીરમાંથી લીવર, બે કિડનીઓ, સ્વાદુપિંડ તથા હૃદયનુ દાન મેળવ્યા બાદ આ અંગોનુ અન્ય દર્દીઓના શરીરમા અન્ય શહેરોમા પ્રત્યારોપણ કરવામા આવેલુ હતું. આ અંગદાનની કમિટીના વડા પણ ડો.સુધીર મહેતા છે.
સર્જરી વિભાગમાં ૧૮ કન્સલટન્ટ પૈકી ડો. સુધીર મહેતા, ડો. ધર્મેશ વસાવડા, ડો.કેતન મહેતા, ડો. હર્ષત્રિવેદી, ડો.અમરીશમહેતા, ડો.કિશનશાહ, ડો.આસીતપાઠક, ડો.એ.ઓ.નોયડા, ડો.એન.કે.ગોસ્વામી, ડો.એન.કે. ગોસ્વામી, ડો.ફ્રેનલ શાહ, ડો.વિક્રાંત પટેલ, ડો.અંકિત ગણાવા, ડો.પંકજ ચાવડા, ડો.હર્ષવર્ધન રાવ, ડો.સંદિપ ભારાઈ, ડો.અર્ચિત પારિખ, ડો.દર્શન લાખાણી સહિત ૫૮ રેસિડન્ટ ડોકટર્સ ફરજ બજાવે છે. આ રેસિડેન્ટ ડોક્ટર્સ પોતાના તબીબી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ દિવસ રાત જોયા વગર કોરોનાગ્રસ્ત દર્દીઓના ડ્રેસિંગ અને ઓપરેશન જેવી જોખમી પ્રક્રિયાઓમા રત રહી યુધ્ધભૂમિમા કામ કરતા સૈનિકની જેમ ખભ્ભેથી ખભ્ભા મિલાવીને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ આપી રહ્યા છે. આ રેસિડેન્ટ ડોક્ટર્સ પોતાના ઘરથી દૂર રહીને તથા પોતાના માતા-પિતાને ચિંતા ન કરવાની હિંમત આપીને સર્જરી વિભાગ તરફથી પાયાના પથ્થર જેવી કામગીરી કરી રહ્યા છે
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025