મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રને કરેલા સંબોધનનો દેશવાસીઓ માટે ? કહ્યું વાંચો આ અહેવાલ
News Jamnagar June 08, 2021
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને કરેલા સંબોધનનો દેશવાસીઓ માટે ભારત સરકાર જ વિના મૂલ્યે વેક્સિન ઉપલબ્ધ કરાવશે. ખાનગી હોસ્પિટલમાં 150 રૂપિયા સર્વિસ ચાર્જ થી વધુ નહિ લઈ શકે.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને કરેલા સંબોધનનો Jun 07,2021
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. કોરોનાની બીજી લહેર સામે આપણી ભારતવાસીઓની લડત ચાલુ છે. દુનિયાના અનેક દેશોની માફક, ભારત પણ આ લડાઈ દરમ્યાન ઘણી મોટી પીડામાંથી પસાર થયું છે. આપણામાંથી ઘણા લોકોએ પોતાના સંબંધીઓ, પોતાના પરિચિતોને ગુમાવ્યા છે. એવા તમામ પરિવારો સાથે મારી પૂર્ણ સંવેદના છે.
સાથીઓ,
છેલ્લાં સો વર્ષોમાં આવેલી આ સૌથી મોટી મહામારી છે, સંકટ છે. આ પ્રકારની મહામારી આધુનિક વિશ્વએ જોઈ પણ ન હતી અને અનુભવી પણ ન હતી. આટલી મોટી વૈશ્વિક મહામારી સામે આપણો દેશ ઘણા મોરચે એકસાથે લડ્યો છે. કોવિડ હોસ્પિટલ બનાવવાથી માંડીને આઈસીયુ બેડ્સની સંખ્યા વધારવાની હોય, ભારતમાં વેન્ટિલેટર બનાવવાથી માંડીને ટેસ્ટિંગ લેબ્સનું એક અત્યંત વિશાળ નેટવર્ક તૈયાર કરવાનું હોય, કોવિડ સામે લડવા માટે વીતેલા સવા વર્ષમાં જ દેશમાં અનેક નવા હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યાં. સેકન્ડ વેવ દરમ્યાન એપ્રિલ અને મે મહિનામાં ભારતમાં મેડિકલ ઓક્સિજનની માગ અકાલ્પનિક રીતે વધી ગઈ હતી. ભારતના ઈતિહાસમાં ક્યારેય આટલા મોટા પ્રમાણમાં ઓક્સિજનની આવશ્યકતા ક્યારેય પણ ઊભી થઈ નથી. આ જરૂરિયાતને પૂરી કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરવામાં આવ્યું. સરકારનાં તમામ તંત્ર જોડાયા. ઓક્સિજન રેલ ચલાવવામાં આવી, એરફોર્સના વિમાનો ઉપયોગમાં લેવાયા, નૌસેનાની મદદ લેવાઈ. ઘણા ઓછા સમયમાં લિક્વિડ મેડકલ ઓક્સિજનના ઉત્પાદનને 10 ગણાથી વધુ વધારવામાં આવ્યું. દુનિયાના દરેક ખૂણેથી, જ્યાંથી પણ, જે કંઈ પણ ઉપબલ્ધ થઈ શકતું હતું, તેને મેળવવાના ભારે પ્રયાસ કરવામાં આવ્યા, લાવવામાં આવ્યા. એ જ રીતે આવશ્યકત દવાઓના પ્રોડક્શનને અનેક ગણું વધારવામાં આવ્યું, વિદેશોમાં જ્યાં પણ દવાઓ ઉપલબ્ધ હોય, ત્યાંથી તેને લાવવામાં કોઈ કસર છોડી નહીં.
સાથીઓ,
કોરોના જેવા અદ્રશ્ય અને રૂપ બદલતા દુશ્મન સામે લડાઈમાં સૌથી અસરકારક હથિયાર, કોવિડ પ્રોટોકોલ છે, માલ્ક, બે ગજનું અંતર અને અન્ય તમામ સાવધાનીઓ તેનું પાલન જ છે. આ લડતમાં વેક્સિન આપણા માટે સુરક્ષા કવચની માફક છે. આજે સમગ્ર વિશ્વમાં વેક્સિન માટે જે માગ છે, તેની સરખામણીએ ઉત્પાદન કરવાવાળા દેશ અને વેક્સિન બનાવવાનારી કંપનીઓ ઘણી ઓછી છે, ગણતરીની છે. કલ્પના કરો કે અત્યારે આપણી પાસે ભારતમાં તૈયાર કરાયેલી વેક્સિન ઉપલબ્ધ ન હોત, તો આજે ભારત જેવા વિશાળ દેશોમાં શું થાત ?તમે છેલ્લાં 50-60 વર્ષનો ઈતિહાસ જોશો તો તમને ખબર પડશે કે ભારતે વિદેશોમાંથી વેક્સિન મેળવવામાં દાયકાઓ થઈ જતા હતા. વિદેશોમાં વેક્સિનનું કામ પૂરું થઈ જતું હતું, ત્યારે પણ આપણા દેશમાં વેક્સિનેશનનું કામ શરૂ પણ નહોતું થઈ શકતું. પોલિયોની વેક્સિન હોય, સ્મોલપોક્સ, જેને ગામમાં આપણે શીતળા કહીએ છીએ. શીતળાની વેક્સિન હોય, હેપિટાઈટિસ બીની વેક્સિન હોય, એના માટે દેશવાસીઓએ દાયકાઓ સુધી રાહ જોઈ હતી. જ્યારે 2014માં દેશવાસીઓએ અમને સેવાની તક આપી તો ભારતમાં વેક્સિનેશનનું કવરેજ, 2014માં ભારતમાં વેક્સિનેશનનું કવરેજ ફક્ત 60 ટકાની આસપાસ હતું. અને અમારી દ્રષ્ટિએ તે ઘણી ચિંતાજનક બાબત હતી. જે ગતિએ ભારતમાં રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો હતો, તે ગતિથી દેશને સો ટકા રસીકરણના કવરેજનું લક્ષ્યાંક હાંસલ કરવામાં આશરે 40 વર્ષ વીતી જાત. અમે આ સમસ્યાના ઉકેલ માટે મિશન ઈન્દ્રધનુષ શરૂ કર્યું. અમે નક્કી કર્યું કે મિશન ઈન્દ્રધનુષના માધ્યમથી યુદ્ધના ધોરણે વેક્સિનેશન કરવામાં આવશે અને દેશમાં જેને પણ વેક્સિનની જરૂર છે, તેને વેક્સિન આપવાના પ્રયાસ થશે. અમે મિશન મોડમાં કામ કર્યું, અને ફક્ત 5-6 વર્ષમાં જ વેક્સિનેશન કવરેજ 60 ટકાથી વધીને 90 ટકાથી વધુ નોંધાયું. 60થી વધીને 90, એટલે કે અમે વેક્સિનેશનની ઝડપ પણ વધારી અને વ્યાપ પણ વધાર્યો.
અમે બાળકોને ઘણી જીવલેણ બીમારીઓથી બચાવવા માટે કેટલીક નવી રસીને પણ ભારતના રસીકરણ અભિયાનનો હિસ્સો બનાવી દીધી. અમે આ એટલા માટે કર્યું, કેમકે અમને આપણા દેશના બાળકોની ચિંતા હતી, ગરીબની ચિંતા હતી, ગરીબના એ બાળકોની ચિંતા હતી, જેમને ક્યારેય રસી લાગી શકતી ન હતી. આપણે સો ટકા રસીકરણ કવરેજ તરફ આગળ ધપી રહ્યા હતા ત્યાં જ કોરોના વાયરસે આપણને ઘેરી લીધા. દેશ જ નહીં, સમગ્ર દુનિયા સામે ફરી જૂની આશકાઓ ઘેરાવા લાગી કે હવે ભારત, આટલી મોટી વસ્તીને કેવી રીતે બચાવી શકશે ? પરંતુ સાથીઓ, જ્યારે નિયત સાફ હોય છે, નીતિ સ્પષ્ટ હોય છે, નિરંતર પરિશ્રમ હોય છે, ત્યારે પરિણામ પણ મળે છે. દરેક આશંકાને બાજુએ રાખીને ભારતે એક વર્ષની અંદર જ એક નહીં, બે ‘મેડ ઇન ઈન્ડિયા’ વેક્સિન લોન્ચ કરી દીધી. આપણા દેશે, દેશના વૈજ્ઞાનિકોએ એ બતાવી દીધું કે ભારત મોટો મોટા દેશો કરતાં પાછળ નથી. આજે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે દેશમાં 23 કરોડથી વધુ વેક્સિનના ડોઝ અપાઈ ચૂકી છે.
સાથીઓ,
આપણે ત્યાં કહેવાય છે – વિશ્વાસેન સિદ્ધિઃ. એટલે કે આપણા પ્રયાસોમાં આપણને સફળતા ત્યારે મળે છે, જ્યારે આપણને પોતાની જાત ઉપર વિશ્વાસ હોય છે. અમને પૂરો વિશ્વાસ હતો કે આપણા વૈજ્ઞાનિક ખૂબ જ ઓછા સમયમાં વેક્સિન બનાવવામાં સફળતા હાંસલ કરી લેશે. આ જ વિશ્વાસને પગલે જ્યારે આપણા વૈજ્ઞાનિક પોતાનાં રિસર્ચ વર્ક કરી રહ્યા હતા, ત્યારે જ અમે લોજિસ્ટિક્સ અને બીજી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તમે સહુ સારી પેઠે જાણો છો કે પાછલા વર્ષ, એટલે કે એક વર્ષ પહેલા, ગયા વર્ષે એપ્રિલમાં, જ્યારે કોરોનાના કેટલાક હજાર કેસ જ હતા, તે સમયે વેક્સિન ટાસ્ક ફોર્સની રચના કરી દેવામાં આવી હતી. ભારતમાં, ભારત માટે વેક્સિન બનાવનારી કંપનીઓને સરકારે તમામ રીતે સપોર્ટ કર્યો. વેક્સિન ઉત્પાદકોને ક્લિનિકલ ટ્રાયલમાં મદદ કરી, રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે જરૂરી ભંડોળ આપવામાં આવ્યું, દરેક સ્તરે સરકાર તેમની સાથે ખભે ખભા મિલાવીને ચાલી.
આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ મિશન કોવિડ સુરક્ષાના માધ્યમથી પણ તેમને હજારો કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં. છેલ્લા ઘણા સમયથી દેશ જે સતત પ્રયાસ અને પરિશ્રમ કરી રહ્યો છે, તેનાથી આવનારા દિવસોમાં વેક્સિનની સપ્લાય હજુ વધશે. આજે દેશમાં સાત કંપનીઓ, વિભિન્ન પ્રકારની વેક્સિનનું ઉત્પાદન કરી રહીય છે. વધુ ત્રણ કંપનીઓના વેક્સિનના ટ્રાયલ પણ એડવાન્સ સ્ટેજ ઉપર ચાલી રહ્યો છે. વેક્સિનની ઉપલબ્ધતા વધારવા માટે બીજા દેશોની કંપનીઓ પાસેથી પણ વેક્સિન ખરીદવાની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી છે. આ તરફ, તાજેતરના દિવસોમાં, કેટલાક નિષ્ણાતો દ્વારા આપણા બાળકો માટે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એ દિશામાં પણ બે વેક્સિન્સના ટ્રાયલ ઝડપથી ચાલી રહ્યા છે. તે સિવાય, હાલમાં દેશમાં એક નેઝલ વેક્સિન ઉપર પણ રિસર્ચ ચાલુ છે. તેમાં રસી સીરીન્જ મારફતે નહીં આપીને નાકમાં સ્પ્રે કરવામાં આવશે. નજીકના ભવિષ્યમાં જો દેશને આ વેક્સિન ઉપર સફળતા મળે તો તેનાથી ભારતના વેક્સિન અભિયાનમાં વધુ ઝડપ આવશે.
સાથીઓ,
આટલા ઓછા સમયમાં વેક્સિન બનાવવી, સમગ્ર માનવતા માટે ઘણી મોટી ઉપલબ્ધિ છે. પરંતુ તેની પોતાની મર્યાદાઓ પણ છે. વેક્સિન બન્યા પછી પણ દુનિયાના ઘણા ઓછા દેશોમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો, અને મોટા ભાગના સમૃદ્ધ દેશોમાં જ શરૂ થયું. ડબલ્યુએચઓએ વેક્સિનેશન માટે ગાઇડલાઈન્સ આપી. વૈજ્ઞાનિકોએ વેક્સિનેશનની રૂપરેખા બનાવી. ભારતે અન્ય દેશોમાં જે શ્રેષ્ઠ પદ્ધતિઓ હતી, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં જે ધોરણો હતાં, તેના આધારે તબક્કાવાર રીતે વેક્સિનેશન કરવાનું નક્કી કર્યું. કેન્દ્ર સરકારે મુખ્યમંત્રીઓ સાથે થયેલી અનેક બેઠકોમાં જે સૂચનો મળ્યાં હતાં, સંસદના વિભિન્ન જૂથોના સાથીઓ દ્વારા જે સૂચનો મળ્યા, તેનું પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું. તે પછી જ એવું નક્કી કરાયું કે જેને કોરોનાથી વધુ જોખમ છે, તેને પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે જ, હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ, 60 વર્ષથી વધુ વયના નાગરિક, 45 વર્ષથી વધુ વયના બીમારીઓ ધરાવતા નાગરિકોને સૌથી પહેલાં વેક્સિન લગાડવાનું શરૂ કરાયું. તમે કલ્પના કરી શકો છો કે જો કોરોનાની બીજી લહેર પહેલાં આપણા ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન ન લગાવાઈ હોત તો શું થાત ? જરા વિચારો, આપણા ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફને વેક્સિન ન લગાવાઈ હોત તો શું થાત ? હોસ્પિટલોમાં સફાઈ કરનારા આપણા ભાઈ-બહેનોને એમ્બ્યુલન્સના આપણા ડ્રાયવર્સ ભાઈ-બહેનોને વેક્સિન ના લગાવાઈ હોત તો શું થાત ? વધુમાં વધુ હેલ્થ વર્કર્સને વેક્સિનેશન થઈ ચૂક્યું હોવાથી તેઓ નિશ્ચિંત બનીને બીજા લોકોની સેવા કરી શક્યા, લાખો દેશવાસીઓના જીવન બચાવી શક્યા.
પરંતુ દેશમાં ઘટતા જતા કોરોનાના કેસ વચ્ચે, કેન્દ્ર સરકાર સામે અલગ-અલગ સૂચનો પણ આવવા લાગ્યા, વિવિધ માગણીઓ થવા લાગી. પૂછવામાં આવ્યું, બધું ભારત સરકાર જ કેમ નક્કી કરી રહી છે ? રાજ્ય સરકારોને છૂટ કેમ નથી અપાતી ? રાજ્ય સરકારોને લોકડાઉનની છૂટ કેમ નથી મળી રહી ? વન સાઇઝ ડઝ નોટ ફિટ ઑલ – જેવી વાતો પણ કહેવાઈ. એવી દલીલ કરવામાં આવી કે કેમકે, હેલ્થ – આરોગ્ય મુખ્યત્વે રાજ્યના નેજા હેઠળ આવે છે, એટલે સારું એ જ હશે કે આ બધું પણ રાજ્ય જ કરે.એટલે, આ દિશામાં એક શરૂઆત કરવામાં આવી. ભારત સરકારે એક વિસ્તૃત ગાઇડલાઈન બનાવીને રાજ્યોને આપી, જેથી રાજ્ય પોતાની આવશ્યકતા અને સુવિધા મુજબ કામ કરી શકે. સ્થાનિક સ્તરે કોરોના કર્ફ્યુ લાદવાનો હોય, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન બનાવવાનો હોય, સારવાર સાથે જોડાયેલી વ્યવસ્થા હોય, ભારત સરકારે રાજ્યોની આ માગણીઓ સ્વીકારી.
આ વર્ષે 16મી જાન્યુઆરીથી માંડીને એપ્રિલ મહિનાના અંત સુધી, ભારતનો વેક્સિનેશન કાર્યક્રમ મુખ્યત્વે કેન્દ્ર સરકારની દેખરેખમાં જ ચાલ્યો. સહુને વિના મૂલ્યે વેક્સિન લગાવવાના રસ્તે દેશ આગળ વધી રહ્યો હતો. દેશના નાગરિક પણ, અનુશાસનનું પાલન કરતા કરતા, પોતાનો વારો આવે ત્યારે વેક્સિન લગાવડાવી રહ્યા હતા. એ દરમ્યાન, કેટલીક રાજ્ય સરકારોએ ફરી કહ્યું કે વેક્સિનનું કામ ડી-સેન્ટ્રલાઈઝ કરવામાં આવે અને રાજ્યો ઉપર છોડી દેવામાં આવે. ભાત-ભાતના અવાજ ઉઠ્યા. જેમ કે વેક્સિનેશન માટે વય જૂથ શા માટે બનાવાયા ? બીજી તરફ કોઈએ કહ્યું કે વયની સીમા છેવટે કેન્દ્ર સરકાર જ કેમ નક્કી કરે ? કેટલાક અવાજો તો એવા પણ ઉઠ્યા કે વૃદ્ધ વ્યક્તિઓને શા માટે પહેલા વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે ? જાત-જાતના દબાણ પણ ઊભા કરાયા, દેશના મીડિયાના એક વર્ગે તો તેને કેમ્પેઇનની માફક પણ ચલાવ્યું.
સાથીઓ,
ઘણા ચિંતન-મનન પછી એ વાત ઉપર સહમતિ સધાઈ કે રાજ્ય સરકારો પોતાની રીતે પણ પ્રયાસ કરવા માગે છે, તો ભારત સરકાર શા માટે વાંધો ઉઠાવે ? અને ભારત સરકારને શો વાંધો હોય ? રાજ્યોની આ માગણી જોઈને, તેમના આગ્રહને ધ્યાનમાં રાખતા 16મી જાન્યુઆરીથી જે વ્યવસ્થા ચાલી રહી હતી, તેમાં પ્રાયોગિક ધોરણે એક ફેરફાર કરવામાં આવ્યો. અમે વિચાર્યું કે રાજ્ય આ માગણી કરી રહ્યા છે, તેમનો ઉત્સાહ છે, તો ચલો ભઇ 25 ટકા કામ એમને જ હસ્તક કરવામાં આવે, એમને જ સોંપવામાં આવે. સ્વાભાવિક છે, પહેલી મેથી રાજ્યોમાં 25 ટકા કામ તેમને સોંપી દેવાયું, જેને પૂરું કરવા માટે તેમણે પોત-પોતાની રીતે પ્રયાસ પણ કર્યા.
આટલા મોટા કામમાં કેવા પ્રકારની મુશ્કેલીઓ આવે છે, તે પણ તેમના ધ્યાનમાં આવવા લાગ્યું, તેમને ખબર પડી. સમગ્ર દુનિયામાં વેક્સિનેશનની શું સ્થિતિ છે, તેની સત્યતાથી પણ રાજ્યો અવગત બન્યા. અને આપણે જોયું, એક તરફ મે મહિનામાં સેકન્ડ વેવ, બીજી તરફ વેક્સિનેશન માટે લોકોમાં વધતી માગ અને ત્રીજી તરફ રાજ્ય સરકારોની મુશ્કેલીઓ. મે મહિનામાં બે અઠવાડિયાં વીતતાં વીતતાં તો કેટલાક રાજ્યો મોકળા મને એવું કહેવા લાગ્યા કે પહેલાવાળી વ્યવસ્થા જ સારી હતી. ધીમે ધીમે તેમાં બીજાં રાજ્યોની સરકારો જોડાતી ગઈ. વેક્સિનનું કામ રાજ્યોને સોંપવામાં આવે, તેવી જેઓ વકીલાત કરતા હતા, તેમના વિચાર પણ બદલાવા માંડ્યા. એ એક સારી વાત છે કે સમયસર રાજ્યો ફેરવિચારણાની માગણી સારે ફરી આગળ આવ્યા. રાજ્યોની આ માગણી ઉપર અમે પણ વિચાર્યું કે દેશવાસીઓને તકલીફ ના પડે, સુગમતાપૂર્વક તેમનું વેક્સિનેશન થાય, એ માટે મે મહિના અગાઉની, એટલે કે પહેલી મેથી પહેલાં 16 જાન્યુઆરીથી એપ્રિલના અંત સુધી જે વ્યવસ્થા હતી, પહેલાવાળી જૂની વ્યવસ્થાને ફરી લાગુ કરવામાં આવે.
સાથીઓ,
આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યો પાસે વેક્સિનેશન સંબંધે જે 25 ટકા કામ હતું, તેની જવાબદારી પણ ભારત સરકાર ઉઠાવશે. આ વ્યવસ્થા આગામી બે અઠવાડિયાંમાં લાગુ કરવામાં આવશે. આ બે અઠવાડિયાંમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને નવી ગાઈડલાઇન્સ મુજબ જરૂરી તૈયારીઓ કરી લેશે. સંયોગ છે કે બે સપ્તાહ પછી 21 જૂને જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ છે. 21મી જૂન, સોમવારથી દેશના તમામ રાજ્યોમાં 18 વર્ષથી ઉપરની વયના તમામ નાગરિકો માટે ભારત સરકાર રાજ્યોને વિના મૂલ્યે વેક્સિન ઉપલબ્ધ કરાવશે. વેક્સિન ઉત્પાદકો પાસેથી વેક્સિનના કુલ ઉત્પાદનનો 75 ટકા હિસ્સો ભારત સરકાર પોતે જ ખરીદીને રાજ્ય સરકારોને વિના મૂલ્યે આપશે. એટલે કે દેશની કોઈ પણ રાજ્ય સરકારે વેક્સિન ઉપર કોઈ જ ખર્ચ કરવાનો નહીં રહે. અત્યાર સુધીમાં દેશના કરોડો લોકોને વિના મૂલ્યે વેક્સિન મળી છે.
હવે 18 વર્ષની વયના લોકો પણ તેમાં જોડાશે. તમામ દેશવાસીઓ માટે ભારત સરકાર જ વિના મૂલ્યે વેક્સિન ઉપલબ્ધ કરાવશે. ગરીબ હોય, નીચલા મધ્યમ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય કે પછી ઉચ્ચ વર્ગ, ભારત સરકારના અભિયાનમાં વિના મૂલ્યે વેક્સિન જ લગાવવામાં આવશે. હા, જે વ્યક્તિ વિના મૂલ્યે વેક્સિન લગાવડાવવા નથી માગતા, પ્રાયવેટ હોસ્પિટલમાં વેક્સિન લેવા ઈચ્છે છે, તેમનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. દેશમાં ઉત્પાદન થઈ રહેલી વેક્સિનમાંથી 25 ટકા વેક્સિન ખાનગી ક્ષેત્રના હોસ્પિટલ બારોબાર લઈ શકે, એવી વ્યવસ્થા ચાલુ રહેશે. ખાનગી હોસ્પિટલ, વેક્સિનેશનની નિશ્ચિત કરાયેલી રકમ ઉપરાંત એક ડોઝ ઉપર વધુમાં વધુ 150 રૂપિયા સર્વિસ ચાર્જ લઈ શકશે. તેની દેખરેખનું કામ રાજ્ય સરકારો પાસે જ રહેશે.
સાથીઓ,
આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે – પ્રાપ્ય આપદં ન વ્યધતે કદાચિત, ઉદ્યોગમ્ અનુ ઇચ્છતિ ચા પ્રમત્તઃ. એટલે કે વિજેતા મુશ્કેલી આવે તો તેનાથી પરેશાન થઈને હાર સ્વીકારતો નથી, પરંતુ પરિશ્રમ કરે છે, અને પરિસ્થિતિ ઉપર જીત મેળવે છે. કોરોના સામેની લડાઈમાં 130 કરોડથી વધુ ભારતીઓએ અત્યાર સુધીની યાત્રા પરસ્પર સહયોગ, દિવસ રાત મહેનત કરીને પૂરી કરી છે. આગળ પણ આપણો રસ્તો આપણા શ્રમ અને સહયોગથી જ મજબૂત બનશે. અમે વેક્સિન મેળવવાની ગતિ પણ વધારીશું અને વેક્સિનેશન અભિયાનને પણ વધુ વેગવાન બનાવીશું. આપણે યાદ રાખવું જોઈએ કે ભારતમાં વેક્સિનેશનની ગતિ આજે પણ દુનિયામાં ઘણી ઝડપી છે, અનેક વિકસેલા દેશો કરતાં પણ ઝડપી છે. આપણે જે ટેકનોલોજી પ્લેટફોર્મ બનાવ્યું છે – કોવિન, તેની પણ સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ રહી છે. અનેક દેશોએ ભારતના આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં રસ પણ દાખવ્યો છે. આપણે બધા જોઈ રહ્યા છીએ કે વેક્સિનની એક એક ડોઝ કેટલી મહત્ત્વપૂર્ણ છે, પ્રત્યેક ડોઝ સાથે એક જીવન જોડાયેલું છે. કેન્દ્ર સરકારે એવી વ્યવ્સથા પણ બનાવેલી છે કે દરેક રાજ્યને કેટલાક સપ્તાહ અગાઉથી જ જણાવી દેવાશે કે તેને ક્યારે, કેટલા ડોઝ મળવાના છે. માનવતાના આ પવિત્ર કાર્યમાં વાદ-વિવાદ અને રાજકીય હુંસાતુંસી, જેવી વાતોને કોઈ પણ સારી નથી માનતું. વેક્સિનની ઉપલ્બધતા મુજબ, સંપૂર્ણ અનુશાસન સાથે વેક્સિન લાગતી રહે, દેશના પ્રત્યેક નાગરિક સુધી આપણે પહોંચી શકીએ, તે પ્રત્યેક સરકાર, પ્રત્યેક જનપ્રતિનિધિ, પ્રત્યેક શાસન વ્યવસ્થાની સામુહિક જવાબદારી છે.
પ્રિય દેશવાસીઓ,
રસીકરણ ઉપરાંત આજે વધુ એક મોટા નિર્ણય વિશે હું તમને માહિતગાર કરવા માગું છું. ગયા વર્ષે જ્યારે કોરોનાને કારણે લોકડાઉન લગાવવું પડ્યું હતું તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, આઠ મહિના સુધી 80 કરોડથી વધુ દેશવાસીઓને વિના મૂલ્યે રાશનની વ્યવસ્થા આપણા દેશે કરી હતી. આ વર્ષે પણ બીજી લહેરને કારણે મે અને જૂન મહિના માટે આ યોજના લંબાવવામાં આવી હતી. આજે સરકારે નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હવે દિવાળી સુધી લંબાવવામાં આવશે. મહામારીના આ સમયે, સરકાર ગરીબની તમામ જરૂરિયાત સાથે, તેની સાથીદાર બનીને ઊભી છે. એટલે નવેમ્બર સુધી 80 કરોડથી વધુ દેશવાસીઓને, દર મહિને નિશ્ચિત માત્રામાં વિના મૂલ્યે અનાજ ઉપલબ્ધ બનશે. આ પ્રયાસનો હેતુ એ જ છે કે મારા કોઈ પણ ગરીબ ભાઈ-બહેનને, તેમના પરિવારને, ભૂખ્યા પેટે સૂવાનો વારો ન આવે.
સાથીઓ,
દેશમાં થઈ રહેલા આ પ્રયાસો વચ્ચે કેટલાક ક્ષેત્રોમાં વેક્સિન માટે ભ્રમ અને અફવાની ચિંતા વધારે છે. આ ચિંતા પણ હું આપની સમક્ષ વ્યક્ત કરવા માગું છું. જ્યારે ભારતમાં વેક્સિન ઉપર કામ શરૂ થયું, ત્યારે તો કેટલાક લોકો દ્વારા એવી વાતો કહેવાઈ કે જેનાથી સામાન્ય લોકોના મનમાં શંકા જન્મે. એવી પણ કોશિષ થઈ કે ભારતના વેક્સિન ઉત્પાદકોનો ઉત્સાહ ઠંડો પડી જાય અને તેમની સામે અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે. જ્યારે ભારતની વેક્સિન આવી તો અનેક માધ્યમોથી શંકા-આશંકાને વધુ વધારવામાં આવી. વેક્સિન નહીં લગાવવા માટે જાત-ભાતના તર્કનો પ્રચાર કરવામાં આવ્યો. તેને પણ દેશ જોઈ રહ્યો છે. જે પણ લોકો વેક્સિન અંગે આશંકા પેદા કરી રહ્યા છે, અફવા ફેલાવી રહ્યા છે, તેઓ ભોળા-નિર્દોષ ભાઈ-બહેનોના જીવન સાથે ઘણી મોટી રમત રમી રહ્યા છે.
આવી અફવાઓ સામે સતર્ક રહેવાની જરૂર છે. હું પણ આપ સહુને, સમાજના પ્રબુદ્ધ લોકોને, યુવાનોને અનુરોધ કરું છું કે તમે પણ વેક્સિન માટે જાગૃતિ વધારવામાં સહયોગ આપો. હમણાં ઘણી જગ્યાએ કોરોના કર્ફ્યુમાં છૂટછાટ આપવામાં આવી રહી છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે આપણી વચ્ચેથી કોરોના જતો રહ્યો છે. આપણે સાવધાન પણ રહેવાનું છે, અને કોરોનાથી બચાવના નિયમોનું પણ કડક રીતે પાલન કરતા રહેવાનું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે, આપણે સહુ કોરોના સામેનું આ યુદ્ધ જીતીશું, ભારત કોરોના સામે વિજય મેળવશે. એ જ શુભકામનાઓ સાથે, આપ સહુ દેશવાસીઓનો ખૂબ ખૂબ આભાર !
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024